
મહીસાગર જિલ્લાના તમામ વિભાગોના કર્મચારીઓએ નમો કે નામ રક્તદાન” કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું..
મહીસાગર કલેકટર સુશ્રી અર્પિત સાગર લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે રકતદાન કર્યું..
ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના કર્મચારીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે “નમો કે નામ રક્તદાન” કાર્યક્રમ દ્વારા ઐતિહાસિક ભેટ આપી છે. આ પહેલ “રક્તદાન મહાદાન” ના મંત્રને સાર્થક કરે છે. મહિસાગર જિલ્લામાં આઠ જુદા-જુદા સ્થળોએ રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4000 થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના તમામ વિભાગોના કર્મચારીઓએ સવારથી જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે યોજાયેલી મુખ્ય શિબિરમાં, જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગર સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને સેવાભાવ અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કર્મચારીઓએ આ કાર્યક્રમને પ્રધાનમંત્રીના જન્મદિવસની સૌથી શ્રેષ્ઠ ભેટ ગણાવી હતી. આ સમગ્ર કાર્યક્રમ ગુજરાત રાજ્યના કર્મચારીઓની સંવેદનશીલતા અને સામાજિક જવાબદારીની ભાવના દર્શાવે છે. આ રક્તદાન શિબિર દ્વારા એકત્રિત થયેલ રક્તનો ઉપયોગ જરૂરિયાતમંદ દર્દીઓ માટે થશે, જે એક પ્રેરણાદાયક અને માનવતાભર્યું પગલું છે.






