
ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા પ્રેરિત અને વિશ્વના સૌથી મોટા આદિજાતિ ગ્રામ્ય સ્તરના નેતૃત્વ કાર્યક્રમ ‘આદિકર્મયોગી અભિયાન’ અંતર્ગત આજ રોજ ખાનપુર તાલુકાના મોર ખાખરા ગામે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અભિયાનના ભાગરૂપે, ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી ગામના સર્વાંગી વિકાસ માટે આગામી ૫ વર્ષ (વર્ષ ૨૦૩૦ સુધી) નો ‘વિલેજ એક્શન પ્લાન’ તૈયાર કરવામાં આવ્યો. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ સ્તરે સક્રિય નેતૃત્વને પ્રોત્સાહન આપીને, સરકારની યોજનાઓ અને સેવાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો છે.
આ આયોજનમાં ડિસ્ટ્રિક્ટ માસ્ટર ટ્રેનર્સ (DMT), બ્લોક માસ્ટર ટ્રેનર્સ (BMT), તાલુકા કન્વર્જન્સ મેનેજર્સ (TCM) અને મોટી સંખ્યામાં ગ્રામ લોકો હાજર રહ્યા હતા. તમામ હિતધારકોએ સાથે મળીને, ગ્રામ સભાના માધ્યમથી, ગામની વર્તમાન જરૂરિયાતો, સંભવિત પડકારો અને વિકાસ લક્ષ્યો પર ગહન ચર્ચા કરી.




